Genesis 21:8-21 in Gujarati
Genesis 21:8
હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી.
Genesis 21:9
પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો.
Genesis 21:10
તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”
Genesis 21:11
આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો.
Genesis 21:12
પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે.
Genesis 21:13
પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”
Genesis 21:14
તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.
Genesis 21:15
થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું.
Genesis 21:16
હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.
Genesis 21:17
દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ,
Genesis 21:18
ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”
Genesis 21:19
પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.
Genesis 21:20
બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો.
Genesis 21:21
તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.
Gujarati Bible